સુખી અને સંતુલિત જીવન એટલે શું?
સુખી અને સંતુલિત જીવન એટલે શું?
જીવનનો અનુભવ ઉપરથી આપણને જોવા મળે છે કે ઘણા લોકો આર્થિક રીતે નબળા હોય છે. કેટલાક લોકો શારીરિક રીતે નબળા હોય છે. ઘણા લોકો ધન કમાવા માટે તંદુરસ્તી અને સંબંધોનો એટલો ભોગ આપે છે કે જ્યારે ધન આવે છે ત્યારે તંદુરસ્તી નથી હોતી અને સંબંધો પણ હોતા નથી. આવા લોકો જીવનના સાચા સુખનો આનંદ માણી શકતા નથી. ઘણા લોકો ખૂબ સારી તંદુરસ્તી ધરાવતા હોય પણ મહિનાના અંતે તેમને મકાનનું ભાડું કે બાળકોની ફી ભરવા પૈસા ની તકલીફ પડતી હોય છે. જ્યારે કેટલાક લોકો ભૌતિક સુખ પામી શકતા નથી. કેટલાક લોકો ભૌતિક સુખનો આનંદ માણવા માટે આવક કરતા જાવક વધારે છે આવા લોકો ભૌતિક સુખ તો મેળવે છે પરંતુ આર્થિક સુખ મેળવી શકતા નથી. જ્યારે કોઈ એમ કહે છે કે “દુનિયામાં કોઈપણ વ્યક્તિ સંપૂર્ણ રીતે સુખી નથી હોતું” તેનો આપણે સહજતાથી સ્વીકાર કરી લઈએ છીએ.
પરંતુ તમે ક્યારેય વિચાર્યું છે? કે દુનિયામાં એવા લોકો પણ હોય છે કે જે સંપૂર્ણ રીતે સુખી છે. તેઓ જીવન જીવવાનો સાચો અર્થ સમજે છે, આવા લોકો જીવન સંતુલિત રીતે જીવે છે. સંતુલિત જીવન એ સંપૂર્ણ સુખી થવા માટેની ચાવી છે
જો જીવન સંતુલિત હોવું જોઈએ તો જીવનમાં કયા પ્રકાર થી જીવન સંતુલિત થાય છે
- શારીરિક તંદુરસ્તી
- આર્થિક સુખ.
- સામાજિક સુખ અને
- ભૌતિક સુખ
જે વ્યક્તિ આ ચારે સુખનો આનંદ માણી શકે એ ખરા અર્થમાં સુખી હોય છે. જ્યારે મોટા ભાગના લોકો આમાંથી એક કે તેથી વધારે પ્રકારના સુખથી વંચિત રહી જાય છે.
શારીરિક તંદુરસ્તી : શારીરિક તંદુરસ્તીની વાત કરીએ તો કોઈએ સાચું જ કહ્યું છે કે જો તમે તંદુરસ્ત હશો, તો તમને બીજી કોઈ વસ્તુની જરૂર નહીં પડે અને જો તંદુરસ્ત નહીં હોય તો તમારી પાસે બીજી જે કોઈ વસ્તુ હશે એનું કોઈ મહત્વ નહીં રહે.
શું એવું શક્ય છે કે જ્યાં સુધી આપણે જીવીએ ત્યાં સુધી તંદુરસ્ત રહી શકાય છે, તો એનો જવાબ છે ” હા”
- આપણે યોગ્ય આહાર લઈએ.
- નિયમિત વ્યાયામ કે યોગા કરીએ.
- સ્ફુર્તી વાળા અને તરવરાટ વાળા લોકો થી પ્રેરણા લઈએ.
- આપણી માનસિક સ્થિતિ પણ આપણા શરીર ઉપર અસર કરી શકે છે તેથી હંમેશા હસતા રહીએ, તેના માટે રમુજી વિચારો કરીએ
- આપણું શરીર મહત્વનું છે અને કીમતી છે, એને 100 વર્ષ સુધી કાર્યરત રાખી શકાય છે.
આર્થિક સુખ : આર્થિક સુખની વાત કરીએ આર્થિક સુખ ની વ્યાખ્યા તમે કેવી રીતે આપી શકો ? ધનની પાછળ ભાગતા રહીએ એના કરતાં નક્કી કરીએ કે કેટલું ધન તમને સુખી કરી શકે તમારું ઘર કેટલું મોટું હોવું જોઈએ. તમારે કયું વાહન જોઈએ છે, અને તમારા અન્ય કયા ખર્ચ છે, એનું એક લિસ્ટ બનાવો. એનાથી તમારી વાર્ષિક આવક નક્કી કરો તેના ઉપરથી તમારે કઈ પ્રકારની નોકરી કરવી કે કયા પ્રકારનો ધંધો કરવો એનું નિર્ણય કરી લો.
સામાજિક સુખ : તમે ક્યારેક કોઈની પાસેથી સાંભળ્યું હશે કે ” જે લોકો દિલ જીતી શકે તે દુનિયા જીતી શકે.” સામાજિક સુખ એ બધા સુખોનું મૂળ છે. તમારા સંબંધો કેવા છે, એના ઉપરથી તમને કેવા લાભ મળે તે નક્કી થાય છે. તમારી શારીરિક અને માનસિક અવસ્થા માટે પણ સારા સંબંધોનું મહત્વ છે. તમારા સ્વજનનો પ્રેમ તમારા મિત્રોનો સહકાર, પ્રેમ , આદર અને સત્કાર તમને સમાજ તરફથી મળે છે.તમે સાંભળ્યું હશે કે “તમારી સમસ્યા કોઈને કહેવા માત્રથી તમારું મન હલકું થઈ જાય છે” અને એનો ઉકેલ આવે એવી એક આશા બંધાઈ છે.
સંબંધોને સાચવવા અને સંબંધોને વધારવા ખુબ સરળ છે.
- મળતાવડા અને નિસ્વાર્થ બનો.
- દરેક વ્યક્તિમાં એક સદગુણ હોય જ છે. દરેક વ્યક્તિ માટે હકારાત્મક વિચારો.
- લોકોને તમારા પ્રત્યેનો અભિપ્રાય કેવો છે, તે જાણો અને તમારો સ્વભાવ સુધારવા પ્રયત્ન કરો.
ભૌતિક સુખ : માનવ શરીર અને ભૌતિક સુખ સાથે સીધો સંબંધ છે. આપણે કેવા કપડાં પહેરીએ છીએ, આપણું ઘર, ફર્નિચર આપણું વાહન આ બધું ભૌતિક સુખ ની અંદર આવે છે કેટલાક લોકોથી સુખનો ત્યાગ કરવાનું કહે છે, પરંતુ આપણા રોજબરોજના જીવનમાં ભૌતિક સુખનું મહત્વ છે. તમે તમારા વડીલો પાસેથી સાંભળ્યું હશે કે “અમે સ્ટ્રીટ લાઇટમાં ભણતા હતા”, તમે એ સમય જુઓ અને આજનો સમય જુઓ તમારી પાસે જે ભૌતિક સુખ છે, એનો ઉપયોગ કરીને તમે ઘણું બધું પ્રાપ્ત કરી શકો છો. આપણી આવનારી પેઢી માટે આપણે આના કરતાં પણ વધારે ભૌતિક સુખો આપીને જઈએ એવી આપણે કામના કરીએ.
અસંતુલિત જીવન અઘરું અને અસ્વસ્થ હોય છે. સંતુલિત જીવન માં આનંદ અને સંતોષ હોય છે. જીવનને સરળ બનાવીએ અને સુખી અને સંતુલિત જીવન જીવીએ.